Monday, May 3, 2010

ક્ષણે ક્ષણે સૂર્યોદય
Gunvant Shah
ઘડિયાળના સેકન્ડ કાંટાને ઘ્યાનસ્થ ચિત્તે નિહાળવામાં આવે તો ચમત્કાર થઇ શકે છે. એ કાંટો સાક્ષાત્ કાળચક્રનો દેવદૂત છે. જીવનમાં વહી જતો ક્ષણપ્રવાહ કદી અટકવાનો નથી. જે ક્ષણે માણસ જાગી જાય તે ક્ષણે સૂર્યોદય! જ્ઞાનદીક્ષા એ જ પ્રકાશદીક્ષા અને એ જ આનંદદીક્ષા!


આજનો સૂર્યોદય નવા ઉન્મેષનો અને નવા જીવનનો સૂર્યોદય બની જાય એ શકય છે. સૂર્ય કેવળ ટેવને કારણે નથી ઊગતો. સૂર્ય કદી પોતાની ફરજ પૂરી કરવા નથી ઊગતો. એ તો ચોવીસે કલાકની પ્રત્યેક ક્ષણે કયાંક ને કયાંક ઊગતો દેખાય છે. સૂર્ય કદી ઊગતો નથી અને વળી આથમતો પણ નથી. પૃથ્વી પર જીવનારા મનુષ્યની આંખે એ ઊગતો કે આથમતો દેખાય છે. સૂર્ય પૂર્વ અને પશ્વિમથી પર છે. હજી સુધી કયારેય એની નજરે અંધારું ચડ્યું નથી. અંધારું કે અજવાળું એ પૃથ્વીય ઘટનાઓ છે. સૂર્યનું હોવું એટલે જ પ્રકાશનું હોવું, ઉષ્ણતાનું હોવું અને ઊર્જાનું હોવું. ઉપનિષદના ઋષિએ કહ્યું : ‘સૂર્ય તો કાળની યોનિ છે (સૂર્યોયોનિ: કાલસ્ય).’


જીવન એટલે ક્ષણપ્રવાહ અને ઘટનાપ્રવાહ-વાતવાતમાં માણસ કહી દે છે : ‘હું હજી જીવતો છું.’ આના જેવી મોટી ડંફાસ બીજી કઇ હોઇ શકે? જેઓ પૂરી સભાનતા સાથે જીવતા હોવાનો દાવો કરી શકે એવા પ્રબુદ્ધ માણસોને ‘જાગતા નર’ કહ્યા છે. મનુષ્યને માથે કેવળ એક જ જવાબદારી મૂકવામાં આવી છે અને તે છે : ‘જાગતા રહેવાની જવાબદારી.’ બીજી બધી જ જવાબદારીઓ તો કેવળ વિગતો છે.


જાગતા રહેવું એટલે ક્ષણપ્રવાહને અને ઘટનાપ્રવાહને સાક્ષીભાવે નીરખતા રહેવું. લોકો જેને પ્રાર્થના કહે છે તે કદાચ આ જ છે. પ્રાર્થના એટલે નીરખવું, પરખવું અને પામવું. જીવનનું સૌથી મહત્ત્વનું કામ એક જ છે અને તે વહી જતી ક્ષણને નીરખવાનું કામ.સતત વહી જતી ક્ષણને કદી નિરાંત નથી હોતી.


જ્યારે વિસામો લેવાનું મન થાયત્યારે કો’ક વિયોગિનીના ગાલ પરઅટકી ગયેલા અશ્રુબિંદુમાંએનો મુકામ હોય છે.આંખની કીકીમાં આકાશનો માળોને આંસુના ટીપામાં સાગરનો ઉછાળો!સૂર્યના પ્રત્યેક કિરણનો યાત્રાપથસમયના પાદર પરથી પસાર થાય છે. એ પાદર પર બે વૃક્ષો ઊભાં છે :એકનું નામ અનંત, બીજાનું નામ અનાદિ.આપણું હોવું એટલે જઅસ્તિત્વની અફવાનું હોવું!આપણું ન હોવું એટલે જમૃગજળનું ન હોવું!


અવકાશ અનંત છે. સમય અનાદિ છે. હવે સંકુચિત બનવા માટેનું બહાનું ક્યાં રહ્યું? બુલબુલને જ્યારે બાગ નાનો પડે ત્યારે એ ઉયનનો આનંદ ચાખી લે છે. હજી સુધી કોઇ ઊડતી સમડીને આકાશ નાનું પડ્યું નથી. ગમે તેટલી મોટી માછલીને પણ મહાસાગર નાનો નથી પડતો. માણસને ક્યારેક પરિવાર નાનો પડે, પરંતુ પ્રેમનું અમૃતબિંદુ નાનું ન પડે.


હિંસા સંકુચિત હોઇ શકે, પરંતુ અહિંસા તો વિશ્વવ્યાપી અને સર્વવ્યાપી જ હોવાની! અસત્ય સીમિત હોઇ શકે છે, પરંતુ સત્યને તો નિ:સીમનો જ સથવારો! દોષ ટકી શકે તે માટે સંકુચિત હોવું જરૂરી છે. વિશાળતામાં બધા દોષો ઓગળી જાય છે. જંગલ વિશાળ હોય છે, પરંતુ વાડ રચાય ત્યારે જંગલની નિર્દોષતા ખતમ થાય છે. ઇર્ષ્યા કરવી હોય તો સંકુચિત બન્યા સિવાય છૂટકો જ નથી. સંકુચિતતા ખરી પડે ત્યારે સાધુતા આપોઆપ ઊગે છે. સાધુ હોવું એટલે જ વિશાળ હોવું. વિશાળ હોવું એટલે જ નર્મિળ હોવું. આકાશ સ્વભાવે સ્વચ્છ હોય છે. ગંદકી તો ખાબોચિયાની મંથરા છે.


સંકુચિતતા માણસના અંધાપાનું જ બીજું નામ છે. માણસને પોતાનો અંધાપો પણ વહાલો લાગે છે. ડુક્કરને ઉકરડાની માયા લાગી જાય છે. સ્વામી આનંદ માયાને ‘કિરતારની કારભારણ’ કહે છે. બુલબુલનો માળો રચાય છે અને રોળાય છે. પુષ્પ ખીલે છે અને ખરે છે. સૂર્ય ઊગે છે અને આથમે છે. ચંદ્ર વધે છે અને ઘટે છે. બધું અનિત્ય છે અને જે નિત્ય છે તેની ભાળ મળતી નથી. મહાકવિ ભવભૂતિએ ભગવાન શંકરને ‘કાલપ્રિયનાથ’ કહ્યા છે. પ્રતિક્ષણ બાજી પલટાતી રહે છે.


આનંદની શોધમાં આયખું વીતી જાય છે. આજનો સૂર્યોદય અનોખો જણાય છે. ઘરના બાગમાં લીલાં તૃણની સભામાં લીલી મેદની જામી છે. ઝાકળભીનાં બધાં તૃણને હું મારું મૌન પહોંચાડતો રહું છું. પુષ્પો સાથે સત્સંગ થતો રહે છે. કલાકોના કલાકો વૃક્ષોની વચાળે વીતે ત્યારે નવરાઇ અને વનરાઇ વચ્ચે ગુફતેગો થતી રહે છે.


સંબંધના પુષ્પત્વને પ્રેમ કહે છે. માનવસંબંધોની ભાત નીરખવા જેવી હોય છે. કેટલાક સંબંધો ગુલમહોરિયા અને ગરમાળિયા હોય છે. એ સંબંધો ભર ઉનાળે આંખને ટાઢક અને જીવનને રંગદીક્ષા આપનારા છે. કેટલાક સંબંધો બોગનવેલિયા હોય છે, સુગંધ નહીં પણ શોભા વધારનારા! કેટલાક સંબંધો બાવળિયા હોય છે, લીલા તોય કાંટાળા! કેટલાક સંબંધો વડલાની શીળી છાયા જેવા ઉપકારક, તો કેટલાક સંબંધો લીમડા જેવા ગુણકારક! કેટલાક સંબંધો વસંતમાં ખીલેલી આમ્રમંજરી જેવા, તો કેટલાક પારિજાત જેવા સુવાસયુક્ત!


કેટલાક સંબંધો ગુલાબી, તો કેટલાક મોગરાની મહેક જેવા! કેટલાક સંબંધો ઓફિસ ફ્લાવર્સ જેવા, સવારે ખીલે ને સાંજે બિડાઇ જાય! માણસ એક સાચા સંબંધની શોધમાં આખું આયખું ખર્ચી નાખે છે. એવા દર્દમંદ માણસને ચીનની કહેવત આશ્વાસન આપનારી છે : ‘તમારા હૃદયમાં એક વૃક્ષ સાચવી રાખો, કદાચ કોઇ ગાતું પંખી આવી પણ ચડે!’


ઘડિયાળના સેકન્ડ કાંટાને ઘ્યાનસ્થ ચિત્તે નિહાળવામાં આવે તો ચમત્કાર થઇ શકે છે. એ કાંટો સાક્ષાત્ કાળચક્રનો દેવદૂત છે. તા.૩૧-૧૨-૧૯૯૯ની રાતે વીસમી સદીના છેલ્લા કલાકે હું જાગતો બેઠો હતો. કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું હતું. ટીવી પર શબ્દો સંભળાતા હતા. હવે નવી શતાબ્દી અને નવી સહસ્રાબ્દી શરૂ થવાને માત્ર એક જ મિનિટ બાકી છે. અરે! હવે તો બસ ત્રીસ સેકન્ડમાં જ ૨૦૦૦નું વર્ષ શરૂ! બરાબર બાર વાગ્યા ત્યાં તો નવી મિનિટ, નવો કલાક અને નવો દિવસ, નવી સદી અને નવી સહસ્રાબ્દી શરૂ! મુંબઇમાં લોકો પાગલ બન્યા હતા.


ઘડિયાળ ખડખડાટ હસી પડી ત્યારે માણસ બોલ્યો : ‘બારના ટકોરા થયા.’ લોકો ધેલા થયા હતા. કોઇ ખાસ સ્થળે નવી સહસ્રાબ્દીના પ્રથમ સૂર્યોદયનું પ્રથમ કિરણ પહોંચવાનું છે એવું જાણીને એ કિરણનું અભિવાદન કરવા મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. લોકો ધેલા થવાની એક પણ તક જતી કરવા તૈયાર નથી હોતા. એમ કરવામાં એક લાભ છે. ધેલા થયા પછી વિચારવાની જરૂરત નથી રહેતી. સૂર્યને પ્રથમ કિરણ, પ્રથમ સેકન્ડ, પ્રથમ મિનિટ, પ્રથમ કલાક અને પ્રથમ દિવસ નવી સદી કે નવ સહસ્રાબ્દી સાથે તે વળી શી લેવાદેવા?


અગ્નિની શોધને કારણે સૂર્યની તેજોમય કરુણા હાથવગી બની રહી. સૂર્ય તો ઘણો દૂર, પરંતુ સૂર્યનો સેવક અગ્નિ મનુષ્યને મદદ કરવા સમીપ આવી પહોંરયો. અગ્નિક્રાંતિનું અભિવાદન વેદના ઋષિએ કર્યું અને કહ્યું : ‘અગ્નિ: વૈ પ્રાણ: અગ્નિ: વૈ ભર્ગ: અગ્નિ: વૈ મહાન્ અગ્નિ: વૈ વરણ્યમ્ ’ અગ્નિથી અણુબોંબ સુધીની યાત્રાનો ઇતિહાસ ભવ્ય છે અને અભવ્ય પણ છે. પ્રથમ માનવસર્જિત તણખો જાદુ કરી ગયો.


એ તણખો તારક હતો અને મારક પણ હતો. આપણાં ઉપકરણ બદલાણાં, પરંતુ અંત:કરણ ન બદલાણાં! નવી સહસ્રાબ્દી (મિલેનિયમ) શરૂ થઇ, પણ મનુષ્ય જૂનો જ રહ્યો! યંત્ર જડ છે, પરંતુ હવે તે ચેતનાને ચાળા પાડતું થયું છે. ઘડિયાળના સેકન્ડ કાંટાને આપણી સમગ્ર ચેતનાને એકઠી કરીને નિહાળવાનો છે. જાતને વારંવાર પૂછવાનું છે : ‘હું જીવું છું એ વાતનો કોઇ દાર્શનિક કે સાંયોગિક પુરાવો ખરો?


જીવનમાં વહી જતો ક્ષણપ્રવાહ કદી અટકવાનો નથી. જે ક્ષણે માણસ જાગી જાય તે ક્ષણે સૂર્યોદય! જ્ઞાનદીક્ષા એ જ પ્રકાશદીક્ષા અને એ જ આનંદદીક્ષા! પંખીઓ રોજ સવારે કલરવ કરે છે. બરાબર તે જ સમયે કેટલાક માણસો બગાસું ખાય છે. એક બગાસું બરાબર કેટલી સેકન્ડ!


પાઘડીનો વળ છેડે


મનુષ્યમાં મારી જે શ્રદ્ધા છે,
તે સિવાયની બીજી કોઇ આસ્થાની
જરૂર મને લાગતી નથી.
આ પૃથ્વીની અજાયબીમાં
અને પૃથ્વી પર પાંગરેલા જીવનમાં,
હું એટલી તો લીન બની ગઇ છું
કે સ્વર્ગનો અને સ્વર્ગના ફિરસ્તાઓનો
વિચાર પણ કરી શકતી નથી.


-પર્લ બક

No comments:

Post a Comment