અમદાવાદ, તા.૧૯
વાયબ્રન્ટ વ્યક્તિત્વ એટલે કે બિઝનેસમેન ઉપરાંત ગ્લેમરવર્લ્ડ, સ્પોટ્ર્સ અને એન્ટિક વસ્તુઓના સંગ્રાહક તરીકે જાણીતા યુનાઇટેડ બ્રુઅરીઝ(યુબી) ગ્રૂપના ચેરમેન ડો. વિજય માલ્યા આજે ગાંધીનગર સ્થિત એન્થ્રેપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા(ઇડીઆઇ)ના પદવીદાન સમારંભમાં હાજરી આપવા આવ્યા ત્યારે તેઓ સૌપ્રથમ એક સેમિનાર રૃમમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા
કરવા પહોંચી ગયા હતા. જ્યાં વિદ્યાર્થીઓએ તેમનું સ્વાગત
કિંગફિશરની લોકપ્રિય ટયુન ‘ઉલાલાલાલા લેયો... ઉલાલાલાલા લેયો...’ ગાઇને કર્યું હતું. વિદ્યાર્થીઓના સ્વાગતથી ખુશ ડો. માલ્યાએ વિદ્યાર્થીઓનો ક્લાસ લઇ સક્સેસ ફંડા જણાવ્યો હતો. ડો. માલ્યાના કહેવા મુજબ તેમને સ્પોટ્ર્સમાંથી પ્રેરણા મળે છે. સ્પોટ્ર્સ અને બિઝનેસમાં સામ્યતા છે. બંનેમાં જોખમો છે અને જીત મેળવવાના ઇરાદા અને સ્ટ્રેટેજી સાથે મેદાનમાં ઊતરવાનું હોય છે. તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં રિલાયન્સ, તાતા, બિરલા જેવા ઉદ્યોગગૃહોની જ કામગીરીની નોંધ લેવામાં આવે છે પણ મારા મતે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી એ પણ દેશ માટે મહત્ત્વની છે અને તેઓ ખરા અર્થમાં ઉદ્યોગ સાહસિકો છે. વર્તમાનમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રૂીઝને પ્રોત્સાહન આપવાની જરૃર છે. જો કે તેમણે ગુજરાત વિશે કંઇ કહેવાની સ્પષ્ટ ના કહી હતી.
ડો. માલ્યાના મતે સફળતાની ચાવી
૧. થિંકિંગ આઉટસાઇડ ઓફ બોક્સ : દરેક વ્યક્તિ પાસે ઓછા-વધારે પ્રમાણમાં ઇન્ટેલિજન્સ છે. મહત્ત્વનું એ છે કે કોઇ વિચારને કઇ રીતે અલગ રીતે વિચારી કંઇક નવું કરી શકાય. હંમેશાં નવું કરવાનો પ્રયત્ન કરવો જોઇએ.
૨. બિલિવ વોટ યુ થિંક એન્ડ ફોલો ધેમ : તમારા નવીન વિચારને ડેવલપ કરવાનો પ્રયત્ન કરો. એ અંગે ૧૦ વ્યક્તિને પૂછશો તો દરેકના વિચાર અલગ હશે અને તમે કન્ફ્યુઝ બનશો. માટે પોતાના વિચારો પર વિશ્વાસ રાખી તેમાં જ આગળ વધો.
૩. બી ક્રિએટિવ : ક્રિએટિવિટી ટેક્સબૂકમાંથી મળતી નથી. તે વ્યક્તિએ વિકસાવવી પડે છે. ટેક્સબૂક જે ગાઇડલાઇન્સ આપે તેને વાસ્તવમાં કેવી રીતે અમલી બનાવવી તેમાં ક્રિએટિવિટી છે.
૪. ફેઈલ્યોર્સ આર ઓન્લી પાર્ટ ઓફ સક્સેસ : નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. ભણવામાં સારા માર્ક્સ લાવનારી વ્યક્તિ સારું કામ ન પણ કરી શકે અને નાપાસ થનારી વ્યક્તિ ક્રિએટિવિટીને કારણે નવો ચીલો ચીતરી શકે છે. તે જ મહત્ત્વનું છે. નિષ્ફળતાથી નિરાશ થવાને બદલે શાંતિથી વિચારી નવા માર્ગે આગળ વધવું જોઇએ.
૫. બી કોન્ફિડન્ટ : જે કરો તે પૂરા વિશ્વાસ સાથે કરો. યુબી ગ્રૂપે જે કર્યું છે તે પૂરા વિશ્વાસ સાથે કર્યું છે અને તે જ તેની સફળતાનું કારણ છે.
૬. દિલથી નહીં દિમાગથી બિઝનેસ કરો : ૧૯૯૦ના ઉદારીકરણ બાદ અમે અમારા તમામ બિઝનેસને ગ્લોબલ કોમ્પિટિશનનો સામનો કરી શકે તે રીતે તૈયાર કર્યા. આ માટે તમામ નિર્ણયો દિલ નહીં દિમાગથી લીધા છે. બિઝનેસના નિર્ણયો હંમેશાં દિમાગ એટલે કે બુદ્ધિપૂર્વક લેવા કારણ કે દિલથી નિર્ણય લેવા જશો તો તમારી ઇન્ટેલિજન્સ મરી જશે.
ઉલ્લેખનીય છે કે ઇડીઆઇના પદવીદાનમાં ડૉ. માલ્યાએ પીજીડી ઇન મેનેજમેન્ટ-બિજનેસ ઓન્થ્રેપ્રેન્યોરશિપના ૫૬ અને પીજીડી ઇન મેનેજમેન્ટ ઓફ એનજીઓના ૧૮ વિદ્યાર્થીઓને ડિપ્લોમા પ્રદાન કર્યા હતા.
રાજકારણીઓ દૂરંદેશીમાં થાપ ખાઇ ગયા છે
ડો. માલ્યાએ જણાવ્યું કે, ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના સમયે એલેક્ઝાન્ડરે ભારતની ધનાઢયતા વિશે ઘણું કહ્યું હતું. આજે વાસ્તવમાં ભારતમાં અપાર ગરીબી છે. તેનું મુખ્ય કારણ એ છે કે આપણા રાજકારણીઓ દૂરંદેશીમાં થાપ ખાઇ ગયા. શિક્ષણ,વસતી નિયંત્રણ, સ્વાસ્થ્ય પ્રત્યે બેધ્યાન બન્યા અને ભારતમાં ગરીબોની સંખ્યા વધી ગઇ.
બેંગલોર રોયલ ચેલેન્જર્સ અને ફોર્મ્યુલા વન
આઇપીએલમાં ડો. માલ્યાની ટીમ રોયલ ચેલેન્જર્સે સારું પરફોર્મન્સ કર્યું છે. આ અંગે તેમણે કહ્યું તે ટીમ સારી છે અને મહેનત કરે છે. આથી તેમને સફળતા મળી છે. ફોર્મ્યુલા વનનો પ્રશ્ન છે તો ભારતની વસતીમાં યુવાનોની સંખ્યા સૌથી વધારે છે તેથી જ હું ફોર્મ્યુલા વનની ગેમને ભારતમાં લાવવાનો છું. વર્તમાનમાં ફોર્મ્યુલા વનનો ટ્રેક તૈયાર થઇ રહ્યો છે અને ૨૦૧૧માં તેને લોન્ચ કરવામાં આવશે.
એવિએશન ઇન્ડસ્ટ્રીની સ્થિતિ
માલ્યાએ જણાવ્યું કે તેમની એરલાઇન્સ એન્ટરટેઇનમેન્ટથી લઇને જરૃર પ્રમાણે સુવિધા આપે છે. અમે આવનારા સમયમાં નવી ટેક્નોલોજી - ફ્યુઅલ એફિશિયન્સીવાળા પ્લેન અંગે વિચારીએ છીએ. તેમણે કહ્યું કે ભારતમાં ૨ ટકાથી ઓછા લોકો વિમાન મુસાફરી કરે છે પણ ભારતનું અર્થતંત્ર વિકસી રહ્યું છે, યુવાન ઉદ્યોગ સાહસિકોનો નવો વર્ગ ઊભો થઇ રહ્યો છે. એરલાઇન ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય ઊજળું છે. એવિએશન ફ્યુઅલ પરના ૨૬ ટકા ટેક્સમાં રાહત અપાય તો એરલાઇન કંપનીઓને રાહત મળી શકે એમ છે.
સિક્સર ઓફ સક્સેસ
થિંક આઉટસાઇડ ઓફ બોક્સ
બિલિવ વોટ યુ થિંક એન્ડ ફોલો ધેમ
બી ક્રિએટિવ
ફેઈલ્યોર્સ આર ઓન્લી પાર્ટ ઓફ સક્સેસ
બી કોન્ફિડન્ટ
દિલથી નહીં દિમાગથી બિઝનેસ કરો
No comments:
Post a Comment