Wednesday, June 23, 2010

Life is under no obligation to give what we expect. We take what we get and are thankful it is no worse than it is

Friday, June 11, 2010

[અ] દેવવાણી :
[1] હિતં ન કશ્ચિદ્વિહિતં પરસ્ય દાનં ન દત્તં ન ચ સત્યમુક્તમ્ |
યસ્મિન્દિને નિષ્ફલતાં પ્રયાત: સ એવ કાલ: પરિખેદનસ્ય ||
જે દિવસે બીજા કોઈનું કંઈ પણ હિત ન કર્યું, દાન ન આપ્યું અને સત્ય ન ઉચ્ચાર્યું, તે કાળ નિષ્ફળ ગયો ગણાય તે શોચનીય છે.
[2] સુખં વા યદિ વા દુખં પ્રિયં વા યાદિ વાપ્રિયમ |
પ્રાપ્તં પ્રાપ્તમુપાસીત હદયેનાપરાજિત: ||
પરિસ્થિતિ દુ:ખની હોય કે સુખની, ગમતી હોય કે અણગમતી, હાર્યા થાક્યા વિના પ્રાપ્ત પરિસ્થિતિને હૃદયથી સ્વીકારીને આનંદથી જીવવું.
[3] ષડ દોષ: પુરુષેણેહ હાતવ્યા ભૂતિમિચ્છતા |
નિદ્રા તન્દ્રા ભયં ક્રોધ: આલસ્યં દીર્ઘસૂત્રતા ||
ઉન્નતિચાહક સ્ત્રી-પુરુષે આ છ દોષોને સર્વથા છોડી દેવા. નિદ્રા (વધુ પડતી ઊંઘ), તંદ્રા-સુસ્તી, ભય, ક્રોધ, આળસ અને દીર્ધસૂત્રતા-વિલંબકારિતા. (પંચતંત્ર)
[4] ધૃષ્ટં ધૃષ્ટં પુનરપિ પુનશ્ચંદનમ્ ચારુગન્ધં,
છિન્ન છિન્ન પુનરપિ પુન: સ્વાદુરેવેક્ષુદણ્ડ: |
દગ્ધં દગ્ધં પુનરપિ પુન: કાંચનં કાન્તવર્ણ,
ન પ્રાણાન્તે પ્રકૃતિવિકૃતિજાર્યતે હ્યુત્તનામ્ ||
વારંવાર ઘસવા છતાં ચંદનની આહલાદક સુગંધ જતી નથી. અનેક વાર છેદવા છતાંયે શેરડીનો સાંઠો એની મીઠાશ છોડતો નથી, તે જ રીતે વારંવાર તપાવવા છતાં સુવર્ણ એની સુંદર કાન્તિને જેમની તેમ સાચવે છે; સારાંશ કે, ઉત્તમ મનુષ્યો પોતાના ઉત્તમ ગુણોને વિકૃત થવા દેતા નથી.
[બ] વેદવાણી
[1] દ્યુલોક શાંત હો. પૃથ્વી શાંત હો. (દ્યુલોક અને પૃથ્વીની મધ્યમાં વ્યાપી વળેલું અને તેમને જોડતું) આ મહાન અંતરીક્ષ શાંત હો. સમુદ્ર અને અન્ય જળાશયોમાં જળ શાંત હો અને ઔષધિઓ શાંત હો. પૂર્વ રૂપો (કારણો) શાંત હો, કરેલું અને ન કરેલું યે શાંત થાઓ (ન કરવાનું કર્યું હોય અને કરવા જેવું ન કર્યું હોય તે અશાંતિનું જનક હોવાથી) વર્તમાનમાં મોજૂદ અને ભાવિમાં થનાર શાંત હો, અમારું સર્વ કાંઈ શાંત હો. – અથર્વવેદ
[2] હે પરમાત્મા ! આપ તેજોરૂપ છો, મારામાં તેજ ભરો. આપ વીર્યરૂપ છો, મને વીર્યવાન બનાવો. આપ બલરૂપ છો, મને બળવાન કરો. આપ ઓજસરૂપ છો, મને ઓજસ્વી બનાવો. આપ મન્યુરૂપ છો, મારામાં મન્યુ (અન્યાય પ્રત્યે રોષ) સ્થાપિત કરો. આપ સરૂપ છો, મારામાં સહસ્ (સહનશક્તિ) આપો. – યજુર્વેદ
[3] પરબ્રહ્મના દષ્ટાની નજરમાં બધેય બ્રહ્મનું, પરમ સત્યનું જ દર્શન થાય છે. તેની દષ્ટિમાં સમગ્ર જગત નંદનવન ભાસે છે. બધાં વૃક્ષો કલ્પવૃક્ષો લાગે છે. બધાં જલાશયો ગંગા છે. દરેક ક્રિયા પવિત્ર બની જાય છે. એ સંસ્કૃત બોલે કે અન્ય ભાષા, એ જે બોલે તે વેદ વાક્ય બની જાય છે. અરે ! સમગ્ર ધરતી એના માટે પવિત્ર નગરી વારાણસી બની જાય છે. – શંકરાચાર્ય
[4] અરે મનુષ્યો ! જેમ અનાદિકાળથી સૂર્યાદિ દેવો પરસ્પરનો વિરોધ કર્યા વગર (પ્રેમથી) સમજીને, પોતપોતાનાં કર્તવ્યો બજાવે છે, તેમ જ તમે પણ સમદષ્ટિ ભાવથી પ્રેરિત થઈ, સલાહ સંપ ભરી એકતાથી કાર્યરત બનો, એકમત થાઓ અને સદભાવથી રહો. – ઋગવેદ
[ક] સંતવાણી

[1]
અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ
દાસ મલૂકા યોં કહે, સબકે દાતા રામ (મલૂકદાસ)
[2]
જાતિ ન પૂછો સાધુકી, પૂછિ લિજિએ જ્ઞાન,
મૌલ કરો તલવાર કા, પડા રહન દો મ્યાન
[3]
આતમ અનુભવ જ્ઞાન કી, જો કોઈ પૂછે બાત,
સો ગૂંગા ગુડ ખાઈ કે, કહે કૌન મુખ સ્વાદ (કબીર)
[4]
રહિમન મનહિ લગાય કે, દેખિ લેઉ કિન કોય,
નર કો બસ કરિબો કહા, નારાયન બસ હોય. (રહીમ)
[ડ] લોકવાણી

[1]
દીઠે કરડે કૂતરો, પીઠે કરડે વાઘ,
વિશ્વાસે કરડે વાણિયો, દબાયો કરડે નાગ.
[2]
નમતાને સહુ કો નમે, સહુ કો દે સન્માન;
સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન (સ્નેહરશિમ)
[3]
બળની વાતો બહુ કરે, કરે બુદ્ધિના ખેલ,
આપદ્કાળે જાણીએ, તલમાં કેટલું તેલ.
[4]
ઉજ્જડ ખેડાં ફરી વસે, નિર્ધનિમાં ધની હોય,
ગયાં ન જોબન સાંપડે, મુઆ ન જીવે કોય. (શામળ)
[ગ] જીવનવાણી
[1] આ જગતમાં જે કોઈ ઘટના બને, જે કોઈ વસ્તુ કે વ્યક્તિ મળે તેની પાછળ પૂર્વના સંબંધોનો અદીઠ તંતુ વણાયેલો હોય છે. એટલે આ તંતુ ઉજ્જવળ બને એવો જ પ્રયત્ન કરવો. કોઈ પણ પરિસ્થિતિ અર્થહીન કે હેતુવિહીન ઊભી થતી નથી, તેનું જ્ઞાન અંદર અને બહાર ઉજ્જવળતા આપી રહે છે. એનો પરિચય એ જ પોતાની સાચી પ્રાપ્તિ છે. આ પ્રાપ્તિ માટે સત્સંગ એ સાધન છે. સત્સંગથી સ્વભાવ પલટાય છે અને અંતે સ્વરૂપની પ્રાપ્તિ એ સાધ્ય છે. જીવનમાં આ સત્યને સર્વભાવે ઉપાસવામાં આવે તો જીવન રણસંગ્રામને બદલે આનંદનું લીલાક્ષેત્ર બની જાય. સંતો કહી ગયા છે કે ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી. આ કથન એકદમ સાચું છે, એની સાથે એ પણ એટલું જ સાચું છે કે જે ઈશ્વરને હૃદયમાં રાખે છે તેનાં હૃદયમાં ઈશ્વર નિવાસ કરે છે અને તે ભક્તની ઈચ્છાને પણ પૂર્ણ કરે છે. એટલા માટે ભક્તે સર્વનું કલ્યાણ થાય એવી જ ઈચ્છા રાખવી, તો એ રાગદ્વેષથી મુક્ત થઈ જશે અને ઈશ્વરને સંપૂર્ણપણે પ્રાપ્ત કરશે. મહાકાળના ગહન અંધકારમાં આપણું જીવન તો એકાદ ક્ષણ બળતી થરથરતી મીણબત્તી જેવું છે. એમાં જેટલો પ્રકાશ પાથરી શકીએ એ જીવનની સાર્થકતા. (મકરન્દ દવે)
[2]
અપકાર કરનાર પર એટલો ઉપકાર કરો કે તમને જોતાં જ તેની આંખો શરમથી ઢળી જાય અને એને થાય કે અરે, આની સાથે મેં કેટલો ખરાબ વ્યવહાર કર્યો અને આણે મારી સાથે કેટલી ભલાઈ કરી ! આ તો ઘાત-પ્રત્યાઘાત છે. અપકારનો જો બદલો લેવો જ હોય, તો તે ઉપકારથી લેવો સારો.
તમારા પુણ્યે તમે કોઈના પર ઉપકાર કર્યો હોય તો એને ભૂલી જજો. એમ નહીં કરો તો એ ઉપકારથી તમારો અહંકાર વધશે. અને એક દિવસ એ તમને નીચું જોવડાવશે. અથવા જેના પર તમે ઉપકાર કર્યો છે તે તમારું અપમાન કરે તો તમે દુ:ખી થઈ જશો. તમને ખરાબ લાગે છે તે બીજાના સંબંધમાં ન કરો. સાદી વાત છે. કોઈ આપણને ગાળ દે તો આપણને કેવું લાગશે ? ખરાબ લાગશે ને ? તો આપણે બીજાનું અપમાન ન કરીએ. (રણછોડદાસજી મહારાજ)
[ઘ] શિક્ષણવાણી
[1]
ગુમાઈ છે ! ગુમાઈ છે ! ગુમાઈ છે !
કોન્વેન્ટ સ્કૂલના કમ્પાઉન્ડમાંથી,
સંચાલકો અને માતાપિતાની બેદરકારીને કારણે
પલક મીંચવા-ઉઘાડવા વચ્ચેની કોઈ ક્ષણે,
ગુજરાતી વાંચતી-લખતી એક આખી પેઢી.
નિશાની છે : ‘કાનુડાએ કોની મટુકી ફોડી’ એમ પૂછો
તો કહેશે “જેક એન્ડ જીલ”ની.
ગોતીને પાછી લાવનાર માટે ઈનામ – એકેય નથી.
કારણ કે એ હંમેશને માટે ગુમાઈ ચૂકી છે ! (ઉદયન ઠક્કર)
[2]
સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે શિક્ષણ એટલે શાળાની ચાર દીવાલો વચ્ચે ભણનાર અને ભણાવનાર વચ્ચે જે પ્રકિયા ચાલી રહી છે તે. શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવે છે. વાલીઓ પણ એવું જ માને કે અમે અમારાં બાળકોને ભણવા મોકલી રહ્યાં છીએ અને બાળકો શાળા કે કૉલેજમાં ભણી રહ્યાં છે પણ આ એક મોટી ગેરસમજ છે. શિક્ષણ ક્ષેત્રે જાત જાતની ગેરસમજો અને ભાત ભાતની અવળી પ્રક્રિયાઓ ચાલી રહી છે. શ્રી અરવિંદે કેળવણી અંગે વાત કરતાં કેળવણીના કેટલાક સિદ્ધાન્તો આપેલા. તેમણે કહેલું કે સાચી કેળવણીનો પ્રથમ સિદ્ધાંત એ છે કે ‘કોઈને કોઈ પણ વસ્તુ શીખવી શકાતી નથી.’ બીજા શબ્દોમાં કહીએ તો કોઈ કોઈને ભણાવી શકતું નથી. શિક્ષક એ કોઈ માહિતી આપનારું યંત્ર કે મુકાદમ નથી. શ્રી અરવિંદે ખૂબ મહત્વની વાત કરી છે કે ‘શિક્ષક તો વિદ્યાર્થીનો સહાયક અને માર્ગદર્શક છે – શિક્ષકે વિદ્યાર્થી ઉપર કોઈ વસ્તુઓ લાદવાની નથી પણ તેની આગળ તે મૂકવાની છે. ખરેખર તો શિક્ષક વિદ્યાર્થીના મનને તૈયાર કરવાનું કામ કરતો જ નથી. પણ વિદ્યાર્થીને જ્ઞાન મેળવવા માટે જ કરણ મળેલાં છે તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે જ બતાવે છે.’ આમ શિક્ષકનું કામ વિદ્યાર્થીના માર્ગદર્શકનું છે, તેના સહાયક અને પ્રોત્સાહકનું છે. આપણે તો એમ જ માની રહ્યા છીએ કે શિક્ષક વિદ્યાર્થીને જ્ઞાન આપે છે. પણ આ ભૂલ છે. હકીકતમાં દરેક વ્યક્તિમાં જ્ઞાન-સમજ મેળવવાની અગાધ ક્ષમતા છે. વિદ્યાર્થી નાનો હોય કે મોટો હોય પણ તેનામાં આ ક્ષમતા પડેલી જ છે. આવી ક્ષમતા હોવી તેના માટે સહજ છે. જન્મગત છે. શિક્ષકનું કાર્ય તો આ ક્ષમતા કેવી રીતે ખીલવી શકાય, તેટલું જ શીખવવાનું કે કરવાનું છે. જો આટલું થયું તો પછી વિદ્યાર્થી પોતાની રીતે જ્ઞાનના સાગર પર લહેરથી નૌકા હંકારી શકશે. આપણે ફરીથી એ વાત ઘૂંટી દઈએ કે શિક્ષક એ માર્ગદર્શક અને સહાયક છે. તે કશું શીખવી શકતો નથી. તે તો કેવી રીતે શીખી શકાય તે રસ્તો જ બતાવે છે. આટલી વાત સમજીશું તો શિક્ષણ પ્રક્રિયા સવળી થશે અને વિદ્યાર્થી વિશેષ જ્ઞાનવાન, પ્રજ્ઞાવાન થશે. (રમેશ સંઘવી)