Bakul Bakshi
લેસલી ગાર્નર લંડનના દૈનિક ડેઇલી ટેલિગ્રાફમાં વાચકોની સમસ્યાઓને લગતા પ્રશ્નોના જવાબ આપતી એક લોકપ્રિય કોલમ લખતી હતી. અનેક વાચકોને સલાહ આપ્યા બાદ એને લાગ્યું કે આ પ્રશ્નો દ્વારા રજૂ કરાયેલી સમસ્યાઓમાં આજના જીવનની ઘણીખરી મુશ્કેલીઓનો સમાવેશ થઇ જાય છે.
કોલમના આ સવાલ જવાબના આધાર પર એણે સંતુલિત જીવન વિશે પોતાના વિચારો દર્શાવતું એક પુસ્તક ‘લાઇફ લેસન્સ’ લખ્યું છે. આ પુસ્તકમાં ચર્ચિત અમુક સમસ્યાઓ અને તેમના નિરાકરણ વિશે લેખિકાના વિચારો જોઇએ.
બધું જ ભૌતિક સુખ હોવા છતાંય ઘણીવાર એ પ્રશ્ન થતો હોય છે કે મારા અસ્તિત્વનું ખરેખર શું પ્રયોજન છે. આવી ભાવના ત્યારે થતી હોય છે જ્યારે આપણી નજીકના લોકો દ્વારા અવગણના થવા લાગે. જીવનમાં આઘ્યાત્મિક દ્રષ્ટિનો અભાવ હોય ત્યારે કેવળ ભૌતિક સુખથી સંતોષ નથી મળતો. આ આઘ્યાત્મિક દ્રષ્ટિ ધાર્મિક જ હોય તે જરૂરી નથી.
પોતાને જે મળ્યું છે તે માટે આભાર માનવાની વૃત્તિ કેળવો તથા બીજાઓને એમની વર્તણૂક માટે માફ કરવાની શકિત મેળવો. પરિવર્તનો નાટયાત્મક જ હોય તે જરૂરી નથી. એક નાના પગલા રૂપે કોઇ પણ ઉમરે પોતાનો સ્વભાવ બદલી શકાય છે. દરેક વાતમાં આપણે સાચા છીએ તે દુરાગ્રહ છોડો.
જીવનમાં સુધારો લાવવા માટે સૌથી મોટું અડચણ પોતાનું મન છે. મનને મનાવી વાસ્તવિકતાનો સ્વીકાર કરતાં શીખો. કોઇ બાળકથી ભૂલ થઇ જાય તો આપણે માફી આપી દઇએ છીએ તો મોટાઓ સાથે આવો વ્યવહાર કરતાં શા માટે ખચકાઇએ છીએ. બદલો લેવાની ભાવના છોડશો તો સંતોષની લાગણી થશે. ઘ્યાન (મેડિટેશન) ખોટા વિચારોને દૂર કરી વર્તણૂક બદલી શકે છે, તમને ગમતી પ્રવૃત્તિ કરવાથી નવી ઊર્જાનો સંચાર થશે. તેમાં એટલા વ્યસ્ત થઇ જાઓ કે ખોટી ચિંતાઓ માટે સમય જ ન રહે.
પોતાના મનની આબોહવાની આગાહી કરતાં શીખો. તોફાનના અણસાર જણાતાની સાથે જ એને દબાવવાના પગલાં લેવા માંડો. સમસ્યા અને તેના વિકલ્પોને કાગળ પર લખવાથી એક નવી દ્રષ્ટિ અને શકિત મળશે. જેમ દુ:ખ પસાર થઇ જાય છે તેમ સુખ પણ કાયમી નથી હોતું એ સત્યને સ્વીકારી લો.
જીવન એક એવી પરીક્ષા છે જ્યાં એક ભૂલથી નિષ્ફળ નથી થવાતું પણ એમાંથી બોધ લઇ આગળ વધવાનું હોય છે. આળસ એક એવો શત્રુ છે જેની શકિતની ક્યારેય અવગણના ન કરો. એ તમને નિષ્ક્રિય કરી તમારા હેતુથી દૂર લઇ જશે. વાચકોના પ્રશ્નો પર આધારિત જીવનની સમસ્યાઓ તથા તેમના ઉકેલનો અહીં વાસ્તવિક ચિતાર અપાયો છે.‘